15/03/2023
જ્યાં જે શોભે, તે જ હોવું જોઈએ.
એટલા તો પરોપકારના કામ કરવા કે 10-10 મિત્રો અને સંબધીઓ ગમે ત્યારે પડખે ઊભા હોય.
સટાસટી: કોઈનું કામ કર્યું હોય તો કોઈ આપણાં કામે આવે. દુનિયામાં એટલી તો માનવતા છે જ કે કોઈના પ્રસંગમાં કામ ભલે ન કરે પણ કામ બગાડે તો નહીં જ.
👇
લગભગ ચોથા-પાંચમા ભણતો, ત્યારે બેસતા વર્ષના દિવસે એક સંબધીના ઘરે ગયો હતો. મહેમાનગતિમાં દૂધ-કોલ્ડડ્રિંક પિરસ્યું. એ દિવસથી આજ દિવસ સુધી મને યાદ નથી કે મેં કોઈના ત્યાં દૂધ કોલ્ડડ્રિંક પીધું હોય. એમને ઓરેન્જ સિરપ દૂધમાં નાખી આપ્યું હતું. હવે કોઈ સામેથી કહે ને કે ગુલાબનું છે તો પણ હું પાણીમાં નાખીને પીવાની હઠ લઈ એમના અગ્રહનું માન રાખું છું. મારી જોડે બન્યા પછી તેમને જાણ પણ થઈ કે આવું ન પીરસાય, તેમ છતાં બીજા મહેમાનોને એ જ પીરસ્યાના બનાવો સાંભળેલા છે. એટલે જ્યાં જે થવું જોઈએ, જ્યાં જે શોભતું હોય અને તે જ હોવું જોઈએ.
ઘણા લોકોના પ્રસંગમાં તેમનું વ્યક્તિત્વ, તેમનું અંગત જીવન, અને તેમના સબંધો છલકાય આવે છે. કેટલાક મોસાળ તરફ નમેલા દેખાય, કેટલાક સાસરિયાંને વધુ મહત્વ આપતા હોય, કેટલાકના ત્યાં સબંધી ફક્ત શોભાના ગાંઠિયા સમાન હોય, તો કેટલાકના ત્યાં પોતાના પ્રસંગમાં ઘરવાળા પોતે દોડતા હોય, પ્રસંગ માણવામાં હોય જ નહીં. કેટલાકના ત્યાં મિત્રો નામના હોય, સહકર્મચારી જ હોય અને કેટલાકના ત્યાં મિત્રો જ આગળ હોય, સબંધી શાકમાં રાય સમાન હોય.
ઘણાને લગ્નમાં અણવર ન મળતો હોય, તો ઘણાને લગ્નની વિધિમાં ટપ્પો ન પડતો હોય. પ્રસંગમાં 19-20 તો થતું જ હોય પણ જો અણવર તરીકે એક જમાઈ ન જડે તો શું સબંધ? ઠીક છે કોઈ કારણસર પરિસ્થિતીને આધીન ચાલવું પડે. તમારા પ્રસંગમાં તમારા વ્યવહારો પારદર્શકતાથી દેખાય આવે. જે જગ્યાએ સગા-સબંધીની જરૂર હોય ત્યાં મિત્રો ન ચાલે અને જ્યાં મિત્રો અસરકારકતાથી કામ કરે ત્યાં બીજું કોઈ ન ચાલે. જીવન આખું કોઈ એકબાજુ નમીને ચાલે એ કરતાં બેલેન્સ સાથે ચાલે એ જરૂરી છે.
જ્યાં ન ખબર પડે ત્યાં કોઈને પૂછીએ, વિશ્વાસુની સલાહ લઈ, છેલ્લે આપણો પોતાનો નિર્ણય લાઈએ. ઘણીવાર મગજમાં સામેવાળાની વાત ન બેસે તો એમના પર વિશ્વાસ રાખી એમની વાતનો અમલ કરીએ. જીવનમાં 10 મિત્રો અને 10 સબંધીઓ ન હોય તો શું કામનું? કમસે કમ એટલા તો પરોપકારના કામ કરવા કે 10-10 મિત્રો અને સંબધીઓ ગમે ત્યારે પડખે ઊભા હોય.
*****
જયહિંદ એક્સપ્રેસ માંથી
વિચારોની વાવણી: વિશાલ પિત્તળીયા 'રોયલ'