Aapni Kavitaa

Aapni Kavitaa Aapni Kavitaa- An attempt to explore, learn and enjoy the beauty of Gujarati language through Gujarat

સમય બસ ધારણા મનની, સમય જેવું કશું ક્યાં છે?મરે જો મન સમય ગાયબ, હતું જ્યાં જે બધું ત્યાં છે.સમય ટૂંકો પડે સુખમાં, સમય લાં...
10/08/2021

સમય બસ ધારણા મનની, સમય જેવું કશું ક્યાં છે?
મરે જો મન સમય ગાયબ, હતું જ્યાં જે બધું ત્યાં છે.

સમય ટૂંકો પડે સુખમાં, સમય લાંબો ઘણો દુઃખમાં
સમય સરખો નથી રહેતો, સમયની આ સમસ્યા છે

સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે

કશુંક આવી રહ્યું તો છે કશુંક જઈ પણ રહ્યું તો છે
સમય છે કે જીવન છે આ સમજવાની સમસ્યા છે.

જીવે માણસ વીત્યા પળમાં કરી ચિંતા નવા પળની
સમયની આ જ પળમાં જીવવું “રાજન” તપસ્યા છે

– રાજેશ રાજગોર

વેંઢારી ભાર એનો થાકી જવાય જીવણ,સપનાની જેમ સમજણ તોડી નખાય જીવણ.જો ક્યાંય આ જગતમાં મન ના ધરાય જીવણ,તો લઠ કબીર સમ લઈ નીકળી ...
06/08/2021

વેંઢારી ભાર એનો થાકી જવાય જીવણ,
સપનાની જેમ સમજણ તોડી નખાય જીવણ.

જો ક્યાંય આ જગતમાં મન ના ધરાય જીવણ,
તો લઠ કબીર સમ લઈ નીકળી પડાય જીવણ.

દેખાય ના કશું પણ એના સિવાય જગમાં,
સાચી મદિરા ત્યારે પીધી ગણાય જીવણ.

બેઠું છે કોણ સામે? આસન તમારું ક્યાં છે?
એ જોઈ જાણી સમજી ભજનો ગવાય જીવણ.

નિર્દોષતા સ્વયંની સાબિત કરી શું કરવું?
મેલી ભલે હો ચાદર ઓઢી રખાય જીવણ.

પીડાથી પર થવાની એ શ્રેષ્ઠ ઔષધિ છે,
મસ્તાન માનવીને ભેટી પડાય જીવણ.

કેવળ મને કહે તું ને કોઈ સાંભળી લે,
તો શક્ય છે ફરીથી ગીતા લખાય જીવણ.

- હિરેન ગઢવી

આભને તું સાવ નીચું લાવ મા,પાંખને તું આટલી ફેલાવ મા.પાર મારાથી ગયો છું નીકળી,સાદ દઈને તું મને બોલાવ મા.– અહમદ મકરાણી
05/08/2021

આભને તું સાવ નીચું લાવ મા,
પાંખને તું આટલી ફેલાવ મા.
પાર મારાથી ગયો છું નીકળી,
સાદ દઈને તું મને બોલાવ મા.

– અહમદ મકરાણી

ઉડવા માટે જ જે બેઠું હતું,આપણો સંબંધ પારેવું હતું.- અંકિત ત્રિવેદી
04/08/2021

ઉડવા માટે જ જે બેઠું હતું,
આપણો સંબંધ પારેવું હતું.

- અંકિત ત્રિવેદી

વાતને રસ્તે વળવું નથી,આપણે હવે મળવું નથી…આપણો મારગ એકલવાયો,આપણે આપણો તડકો-છાંયો,ઊગવું નથી, ઢળવું નથી,આપણે હવે મળવું નથી…...
03/08/2021

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…

આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…

હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…

- જગદીશ જોષી

લોહીલુહાણ છે અને હાલત છે તારતાર,નીકળ્યો’તો એક વિચાર જે ટોળાની આરપાર.થોડીક હૂંફ આપીને જ્યાં કાઢી મ્યાન બહાર,તલવારમાંથી ની...
02/08/2021

લોહીલુહાણ છે અને હાલત છે તારતાર,
નીકળ્યો’તો એક વિચાર જે ટોળાની આરપાર.

થોડીક હૂંફ આપીને જ્યાં કાઢી મ્યાન બહાર,
તલવારમાંથી નીકળી ચીસો ય ધારદાર.

રંગો ય એના એજ ને પીંછી ય એ જ લઈ,
બસ દોરવાની હોય છે કાયમ નવી સવાર.

કરવા મથો છો પણ તમે લ્યા નહિ કરી શકો,
છારીની જેમ બાજેલા દ્રશ્યોમાં ફેરફાર.

એકાદ હોય તો ચલો સ્વાગત કરું હું ,પણ,
આવે છે ઉર્મિઓ ય લબાચા લઈ હજાર.

કેવી સરળ ગઝલમાં અભિવ્યક્ત થાય વાત,
જે બોલવા કરું છું પ્રયત્નો હજારવાર.

પાગલ હશે કાં હોઈ શકે તારા સમ જુગલ
ઝંખે છે જે સમયથી સમયસરની સારવાર

– જુગલ દરજી

સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી,સૂર્યનો આભાસ છે અજવાસ જેવું કંઈ નથી.તેં નકાર્યું જ્યારથી રંગોભર્યા અસ્તિત્વને,રક્તની...
31/07/2021

સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી,
સૂર્યનો આભાસ છે અજવાસ જેવું કંઈ નથી.

તેં નકાર્યું જ્યારથી રંગોભર્યા અસ્તિત્વને,
રક્તની આ દોડમાં ઉલ્લાસ જેવું કંઈ નથી.

કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે,
જિંદગી છે આ દીવાનેખાસ જેવું કંઈ નથી.

જ્યાં મળ્યો છે આવકારો ત્યાં અમે રોકાઈ ગ્યા,
ગામ ઘર શેરી અને વનવાસ જેવું કંઈ નથી.

હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહેં-જો-દડો,
હું નદીનું વહેણ છું ઇતિહાસ જેવું કંઈ નથી.

જે સજા ગણતો હતો તું તે જ મુક્તિ થઈ જશે,
રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી.

– મધુમતી મહેતા

આજે બધે જે વાતની ચકચાર હોય છે,ભાગ્યે જ કાલે કોઈને દરકાર હોય છે.નીકળે ન શબ્દ એકે પ્રશંસાનો ભૂલથી,લોકો જગતના એવા ખબરદાર હો...
30/07/2021

આજે બધે જે વાતની ચકચાર હોય છે,
ભાગ્યે જ કાલે કોઈને દરકાર હોય છે.

નીકળે ન શબ્દ એકે પ્રશંસાનો ભૂલથી,
લોકો જગતના એવા ખબરદાર હોય છે.

સ્વીકારે જેની વાતને મૃત્યુ પછી જગત,
એના જીવનમાં ઓછા તરફદાર હોય છે.

પલટે પલકમાં પોતાનાં આંસુને સ્મિતમાં,
દુનિયામાં કેટલાય કલાકાર હોય છે.

પડછાયો પણ તિમિરમાં નથી સાથ આપતો,
મુશ્કિલ સમયમાં કોણ વફાદાર હોય છે ?

ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.

– હેમેન શાહ

કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…રામ છૂપાયાં નથી રામાયણે,ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…કાષ્ટમાં ...
29/07/2021

કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…

રામ છૂપાયાં નથી રામાયણે,
ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…

કાષ્ટમાં અગ્નિ છતાં દેખાય ક્યાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે…

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં,
ફૂલની પિછાણ તો અત્તરથી પડે…

લાગણીનું પણ સદા એવું જ છે,
ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’,
રામ નામે સેતુ તો પથ્થરથી બ

- રવિ ઉપાધ્યાય

આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉબંરની મર્યાદા તોડી;એક બિંદુ ઝીલી ને આંખ એવી કુદી કે એણે આભ સાથે વાર્તા જોડી.આ બારીમાં ટપક...
28/07/2021

આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉબંરની મર્યાદા તોડી;
એક બિંદુ ઝીલી ને આંખ એવી કુદી કે એણે આભ સાથે વાર્તા જોડી.

આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને, ને આભે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.

વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.

આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં પગલાં એ કેડી એક છોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.

– ભાગ્યેશ જહા

કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય.પર્વત ઢળી પડે અન...
27/07/2021

કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.

હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય.
પર્વત ઢળી પડે અને સાગર ઊભા ય થાય.

અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય.

ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.

પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય.

આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય.

સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય.

–ગની દહીંવાળા

પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.વાદળને આકંઠ ...
26/07/2021

પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.

મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.

યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.

– મુકેશ જોષી

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Aapni Kavitaa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Aapni Kavitaa:

Share